ડર આ શબ્દ માણસને જ્યારથી સમજણ આવે ત્યાર થી સતાવતો હોય છે. નાનપણમાં જ મમ્મીનો ડર , પપ્પાનો ડર , મોટાભાઈ નો ડર , શિક્ષકનો ડર , દરેકને હોય છે જ ..પણ ક્યારેય જાણ્યું આ ડર હોય છે શું ?
ઘરે કીધા વગર રમવા જતા રહ્યા હતા અને મોડા સમય સુધી ઘરે આવ્યા ન હોવ અને પપ્પા ધમકાવશે તેનો ડર કે પછી કાચનો ગ્લાસ હાથમાંથી છૂટીને તૂટી ગયો અને તેના લીધે મમ્મી બોલશે તેનો ડર ,
ભાઈની ઘડિયાળ પહેરવા લઈ ગયા હોય અને કદાચ ડાયલ નો કાચ તૂટી જાય અને ઘરે પાછું લઈને આવો અને ભાઇ બોલશે એનો ડર . આ તો ફક્ત ઘરની અંદર ઉદભવતા ડર ના ઉદાહરણ છે પરંતુ આવા તો માણસના મનમાં કેટલીય વાતોના ડર રહ્યા કરતા હોય છે.
બીજા દાખલા આપુ તો નિશાળમાં લેસન ના લઈ ગયા હોય અને શિક્ષક મારશે તેનો ડર , ઓફિસમાં સમયસર કાર્યના કર્યું હોય અને બોસ બોલશે તેનો ડર ,
મોડી રાતે એવા રસ્તા પરથી આવો છો જે રસ્તા પર લાઈટો ચાલુ નથી ત્યારે લૂંટફાટ થશે તેનો ડર , અજાણ્યા રસ્તા પર કોઈક અચાનક કોઇ અજાણ્યું વ્યક્તિ જોરથી બૂમ પાડીને બોલાવે ત્યારે લાગતો ડર , પરિક્ષામાં પેપર કેવું આવશે તેનો ડર , પરિણામ કેવું આવશે તેનો ડર , બસ આખી જિંદગી એક ડર ...ઘણી વખત આપણા બધાને હેરાન કરી જતો હોય છે.
ડર છે શું ? એક કાલ્પનિક વિચાર છે. આપણા મનમાં બે રીતે કાર્ય થતું હોય છે જેમકે ભૂતકાળમાં બનેલી ઘટનાને યાદ કરવી અને બીજું ભવિષ્યના વિચાર કરવા.
ડર પણ આ બંને ક્રિયાથી જ પેદા થતો હોય છે.
ક્યારેક આપણને લાગે કે મારી સાથે ભૂતકાળમાં આવું બની ગયું હતું એટલે તારી સાથે પણ એવું જ ના બને તેનું ધ્યાન રાખજે. હવે આપણે આ વાતને ઘડી ઘડી યાદ કરીએ અને વિચારીએ કે પેલા સાથે આવું થયું હતું તો મારી સાથે પણ એવું જ થશે. હવે તમે જ વિચારો તમારી સાથે જે ઘટના બની ગઇ છે એ ઘટના બીજા સાથે બને જ એની શું ખાતરી. અને આપણે આજ વાતોમાં આવીને આપના મનમાં ડર પેદા કરી દેતા હોઈએ છીએ. અને સમય આવે ત્યારે એવું કંઈ થતું પણ નથી હોતું.પણ આપણા બધાના મનમાં બસ એક ભૂતકાળની ઘટના સ્થાયી થઇ ગઇ હોય છે એટલે આપણે આપણું હાલનું વર્તમાન પણ સારી એવી રીતે જીવી નથી શકતા.
તમે ડરથી એટલા બધા પણ ના ડરો કે ડર તમારું જીવન ખુશખુશાલ માંથી ચિંતામાં બદલાય જાય. જે થવાનું છે તે થશે જ. ભવિષ્યમાં જે ઘટના બનવાની છે તેને વર્તમાનમાં વિચારીને વર્તમાનમાં તેની ચિંતા કરવાની નથી પણ વર્તમાનમાં તો આપણે જીવવાનું છે.
ડર થી થાય શું ? આપણી જિંદગી જીવવા માટે છે પણ આપણે કેટલીક વાતોના ડરથી જિંદગી જીવતા જ નથી પણ ભવિષ્યની ચિંતાનો ડર અને ભૂતકાળમાં બનેલી ઘટના આપણા મનમાં ફરતી હોય છે અને તેના લીધે આપણે જિંદગી જીવી શકતા નથી . તમને ખબર જ હશે મનુષ્ય જીવન કેટલાય જન્મો પછી મળે છે . મનુષ્ય એક જ એવો જીવ છે જેને વિચારવાની શક્તિ ભગવાને આપી છે તો આપણે તેનો ઉપયોગ ભૂતકાળમાં બનેલી ઘટના યાદ કરવામાં અને ભવિષ્યમાં જે બનવાનું જ નથી તેનો વિચાર કરવામાં બગાડીએ છીએ અને આનાથી આપણી જિંદગી દિવસે દિવસે ટુંકી થતી જાય છે આપણે જે અનુભવ કરવાનો છે જે આનંદ કરવાનો છે , કંઇક નવું કરવાની તીવ્રતા આપણામાંથી દિવસે દિવસે ઘટતી જાય છે. જ્યારે આપણે કોઈ જગ્યાએ માનસિક રીતે હાજર નથી હોતા ત્યાં આપણે જૂની વાતો યાદ કરતા હોઇએ કે ભવિષ્યમાં શું કરીશ તેની ચિંતાના ડર માં હોઈએ તો આપણે તે જગ્યાએ કોઈપણ પ્રકારનો આનંદ મેળવી શકતા નથી અને કદાચ એવું પણ બને કે આપણે સામેવાળી વ્યક્તિ સાથે ના બોલવાનું પણ બોલી દઇએ અને આપણો સબંધ એ વ્યક્તિ સાથે તૂટી પણ જાય
આમ આપણે ડર થી ઘણું બધું ગુમાવી શકીએ છીએ. અને આપણે મનમાં ને મનમાં વિચાર કરવા લાગીએ છીએ અને પોતાના મનમાં જ એક અલગ દુનિયા બનાવી લઇએ છીએ અને હકીકતની દુનિયામાં આપણું કોઈ અસ્તિત્વ રહેતું નથી.
આપણું મન એ સમય પર ફક્ત એવા જ વિચારો કરે છે જે આપણી સાથે ક્યારેય બનવાનું જ નથી અને ત્યાં આપની છબી એક ગાંડા વ્યક્તિ જેવી થઇ જતી હોય છે.
ડર થી બચવા શું કરવું ?
ડર થી બચવાનો માત્ર એક જ ઉપાય છે આપણે એવા વિચારો નથી કરવાના જે હજુ બન્યા જ નથી અને ક્યારેય એવું પણ ના વિચારવું કે જે ભૂતકાળમાં બન્યું છે તે ભવિષ્યમાં બનશે જ ...ગમે તેવી પરિસ્થિતિ હોય બદલાશે જરૂર . આજ એક ડરથી બચવાનો ઉપાય છે.
-લેખ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
Comments
Post a Comment