સત એટલે સત્ય. સત્યની હંમેશા જીત થાય છે.
એક નાનું ગામ હતું એ ગામમાં એક વૃદ્ધ દાદા રહેતા હતા તે દાદાનો એક નિયમ હતો કે તે ગામમાં કોઈપણ ફેરિયો આવે અને આખા ગામમાં ફરે પછી પાછો દાદાના ઘરે થઈને નીકળે ત્યાં દાદા પૂછે ગામમાં તારી વસ્તુ કોઈએ ખરીદી તો છે ને અને જો ના ખરીદી હોય તો દાદા તે બધી જ વસ્તુ ખરીદી લેતા અને તેના થતાં રૂપિયા તે માણસને ચૂકવી દેતા.
એક વાર એક કેળા વાળાની લારી ત્યાંથી નીકળી ત્યાં દાદાએ પૂછ્યું કેમ ભાઈ આટલા બધા કેળા આજે પાછા લઇ જાવ છો ત્યાં લારી વાળા ભાઇએ કહ્યું દાદા આજે ગામમાં ખાસ કરી કોઈએ કેળા લીધા નહિ એટલે મારે કેળા લઇ પાછું વળવું પડ્યું તો દાદાએ પૂછ્યું હવે આ કેળા શું કરવાના ત્યાં પેલાએ કીધું કે જે પાકા જેવા લાગે છે તે તો આજે જ ઘરે જઈ મારા છોકરાઓને વહેચી દેવા પડશે નહિ તો તે કાલે કંઈ કામના નહિ. ત્યાં દાદાએ ફરી બીજો પ્રશ્ન કર્યો ત્યાં તો તારે ખોટ જાય ને ત્યાં લારી વાળો કે હા દાદા ખોટ તો જાય પણ એનું કરું પણ શું ? ત્યાં દાદાએ કહ્યું લાવ બધા કેળા મને આપી દે અને કેટલા રૂપિયા ચૂકવવાના બોલ ? ત્યાં લારી વાળાએ કેળા આપ્યા અને થતાં કેળાના રૂપિયા લઈને ત્યાંથી તે ચાલ્યો ગયો.
આ બધું ભગવાન ઉપર બેઠા બેઠા જોતા હતા કે આ માણસ તો ઘણા લોકોની મદદ કરે છે અને તેનામાં એક સારો ગુણ પણ છે કે તે જે પણ વાત હોય તે સત્ય સાંભળવા માગતો. અને એક દિવસ ભગવાનને ઇચ્છા થઇ કે લાવ એક વાર હું પરિક્ષા કરું આ માણસની
અને ભગવાન જમીન પર ઉતરે છે અને નક્કી કરે છે એવું વેચું કે મફતમાં આપુ ને કોઈ ખરીદે નહિ તો આવું તો શું હોય ? પણ આ તો ભગવાન તેમને વિચાર આવ્યો કે લાવ ગરીબી અને દુઃખ વેચવા નીકળું . ભગવાન તો નીકળ્યા છે ગામમાં અને બૂમ પાડે છે કે મફતમાં મળશે મફતમાં ..ત્યાં લોકો ઘરની બહાર નીકળી પડે છે કે મફતમાં શું મળે છે તે જોવા ત્યાં તો એક હાથમાં ગરીબીનું પોટલું અને એક હાથમાં દુઃખનું પોટલું.
આ જોતા જ ગામવાળા ઘરમાં પાછા જતા રહેતા. હવે ભગવાન ચાલતા ચાલતા દાદાના ઘર સુધી આવ્યા ત્યાં દાદાએ પૂછ્યું કે ભાઈ ગામવાળા એ લીધું કે નહિ ત્યાં તો દાદા જોવે છે કે ક્યાં થી લે આતો ગરીબી અને દુઃખના પોટલાં છે. હવે દાદાને નિયમ યાદ આવ્યો અને નિયમ પ્રમાણે દાદાએ બંને પોટલાં લઇ લીધા અને ભગવાનને ત્યાંથી રવાના કર્યા.
ભગવાને વિચાર્યું વાહ શું માણસ છે ખબર છે કે દુઃખ અને ગરીબીના પોટલાં છે છતાં પણ લઈ લીધા.
હવે દાદા ખાટલામાં સુવા પડ્યા ત્યાં સુખ પાસે આવ્યું ને કીધું દાદા હું તો જાવ છું તમારા ઘરેથી કારણ કે જ્યાં દુઃખ હોય ત્યાં મારાથી ના રહેવાય દાદા કે ભલે જા ભાઇ તું જા. હવે દાદાને થોડી ઊંઘ આવીને ત્યાં લક્ષ્મી માતાજી આવ્યા ( જેના ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય તેના ઘરે ધન ક્યારેય ના ખૂટે પણ હવે ગરીબી આવી એટલે લક્ષ્મી માતાજી થી ના રહેવાય તેમણે પણ દાદાના કીધું કે હું પણ જવ છું તમારા ઘરેથી દાદા. દાદાએ કહ્યું હા તારે પણ જવું હોય તો જા સુખ હજુ થોડેક જ દૂર ગયું હશે. ત્યાં એની પાછળ દાદાનું સત કે દાદા હવે હું પણ જવ તમારા ઘરેથી કે આ દુઃખમાં અને ગરીબીમાં તમારે સાચું ના બોલવું પડે એટલે ત્યાં દાદાએ કહ્યું અરે
ના તારે ક્યાંય જવાનું નથી. જો તું આ સમયમાં પણ મારી સાથે રહીશ તો સુખ અને લક્ષ્મીને પણ મારી પાસે પાછું આવવું પડશે એટલે તારે મારી સાથે જ રહેવાનું છે અને સાચે જ જ્યાં સત હોય ત્યાં દરેકને નમવું જ પડે છે. બસ દરેકને નમાવા થોડો સમય લાગે છે પણ દરેક સત ની સામે નમી જ જાય છે. અને દાદાના સતના લીધે થોડા સમય પછી સુખ અને લક્ષ્મી પાછા આવે છે અને દુઃખ અને ગરીબીને દાદાને ત્યાંથી ભાગવું પડે છે.
આપણા દરેકના જીવનમાં આવી પરિસ્થિતિઓ આવતી હોય છે અને આપણે ત્યારે અસત્યનો સાથ આપીને દુઃખ અને ગરીબીને વધારતા હોઈએ છીએ અને સતની તાકાતને સમજતા હોતા નથી એટલે આપણે બધાએ વધારે સમય દુઃખ અને ગરીબીમાંથી પસાર કરવો પડે છે.
અને આવું થવા ના દેવું હોયતો હંમેશા સત્ય બોલતા શીખો.
Comments
Post a Comment