" માણસાઇનો એક અનુભવ "
આપણે ઘણી બધી માણસાઇ ની વાતો સાંભળી છે ક્યારેક ક્યારેક આપણે કેટલા લોકોના મોઢે એવું પણ સાંભળ્યું છે કે આજના જમનામાં માણસાઇ જેવું કંઈ રહ્યું જ નથી પણ ખરેખર જે લોકોને ખરેખર માણસાઈનો અનુભવ થયો છે તેવા લોકો તો અત્યારે પણ માને છે કે માણસાઇ હજુ જીવે છે કદાચ નહિ પણ ખરેખર એક વખત મારો આ હકીકતનો અનુભવ વાંચશો તો તમને તમારું ભૂતકાળમાં બનેલા અનુભવો અથવા તો તમારી નજરે જોયેલા કેટલાય કિસ્સાઓ જરૂર યાદ આવી જશે.
૨૦૧૪માં મારી સાથે બનેલી ઘટના જેનો અનુભવ આજે હું તમારા સમક્ષ કહેવા જઇ રહ્યો છું જે તમને ખરેખર માણસાઈનું ઉદાહરણ કરાવશે.
એક દિવસની વાત છે અમે બધા મિત્રો ક્લાસમા છેલ્લો લેક્ચર પતાવીને દાદરા ઉતરતા હતા અને ત્યાંજ મારા એક મિત્રએ મને તેના બેગમાંથી બોટલ આપી અને કહ્યું એક કામ કર તું પાણી પીવા જાય છે તો બોટલ પણ ભરતો આવજે તો મે કીધુ સારું. હું પરબ પહોંચ્યો અને મારા મિત્રો ચાલતા ચાલતા બસ સ્ટેશન તરફ ચાલ્યા.હું પણ પરબેથી પાણી પીધું અને બોટલ ભરીને સ્ટેશન તરફ ચાલવા લાગ્યો. મારા મિત્રો મારા થી ઘણા આગળ નીકળી ગયા હતા અને હું એ લોકોથી ઘણો પાછળ હતો. હું પણ બોટલને કેચ કેચ રમતો રમતો ચાલતો હતો
અને અચાનક મારી પાછળથી એક અતુલ શક્તિનો ટેમ્પો મારી જોડેથી નીકળ્યો જેમાં સ્લેબમાંથી નીકળેલા ભંગાર સળીયા જેમાં અમુક સળીયા લાંબા હશે અને જૂના વાળેલા સળીયા હતા જે મારા પગમાં ભરાય ગયા જેના લીધે હું રસ્તા પર ત્રણ ગુલાટી મારી ગયો. અચાનક ત્યાં ઘણું બધું પબ્લિક ભેગુ થઇ ગયું હું થોડો થોડો ભાનમાં હતો ત્યાં એક માણસે મને પૂછ્યું ભાઇ તું એકલો છે કે તારી સાથે કોઇ છે તો મે મારો મોબાઈલ કાઢી મારા મિત્રોમાંથી એક મિત્રને કોલ કરાવ્યો અને તે બધા હું જ્યાં પડ્યો હતો ત્યાં પાછા આવ્યા. ત્યાં સુધી એક કાકા હતા જેમણે મારા મિત્રોને કહ્યું ચલો આપણે અહી નજીકના દવાખાને લઇ જઇએ જેનાથી લોહી નીકળતું ઓછું થાય અને વાગ્યું છે ત્યાં પાટો બંધાવાય એમ કરી મારા બે મિત્ર અને પેલા કાકા સાથે આવેલ એક ભાઇ રિક્ષા બોલાવીને નજીકના દવાખાને લઇ ગયા. ડોક્ટરે ઘા પર મલમ લગાવી પાટો બાંધ્યો અને બીજી દવા લખી આપી. ત્યાં પેલા કાકાએ ડોક્ટરને પૂછ્યું કે કેટલા રૂપિયા આપવાના તો ડોક્ટરે ૩૫૦ રૂપિયા કીધા તે જ વખતે તે કાકાએ ખિસ્સામાંથી ૫૦૦ રૂપિયાની નોટ કાઢી ડોક્ટરને રૂપિયા ચૂકવ્યા અને બીજા રૂપિયા મારા મિત્રને પૂછ્યું કે ભાઇ આ બાકીના પણ તમે રાખો. મારા મિત્રએ તે સમય પર કાકાને કીધું કે કાકા તમે તમારું એડ્રેસ અમને આપો તો આવતીકાલે હું તમને તમારા આ ડોક્ટરને આપેલ રૂપિયા પાછા આપી શકું ત્યારે તે કાકાએ ખૂબ જ સરસ જવાબ આપેલો કે ભાઇ
કદાચ આ જગ્યાએ મારો જ છોકરો હોત તો શું એ સમય પર મારે ડોક્ટરને ના આપવા પડત ને એમ સમજી મારા મિત્રને સમજાવ્યો પછી તે કાકા અને તેમની સાથે આવેલ ભાઇ ત્યાંથી ગયા.
હવે મારા મિત્ર મને બસ સ્ટેશન લઇને આવ્યા અને ત્યાંથી મારો એક મિત્ર એની ઘર તરફ વળ્યો અને એક મિત્ર મને ઘર સુધી મુકવા આવ્યો અને મારા પરિવારને આખી બનેલી ઘટના કીધી અને તે પણ પછી તેના ઘરે ગયો.
આ અનુભવે મને સાચા મિત્રની પરખ અને દુનિયામાં માણસાઇ હજુ પણ જીવે છે એનો અહેસાસ કરાવ્યો.
મારો અનુભવ સાંભળ્યા પછી ખાત્રી પૂર્વક તો નહિ કહી શકતો પણ કદાચ તમારી સાથે થયેલો કોઈ ભૂતકાળનો અનુભવ યાદ આવી ગયો હશે.
આપણે પણ માણસ છીએ તો આપણે પણ પેલા કાકાની જેમ માણસાઇ ક્યારેક નિભાવવી જોઈએ.
- જીવનની સત્ય ઘટના પર આધારિત
Comments
Post a Comment