ભગવાને દરેકનું સારું જ વિચારેલું હોય છે
એકવાર નારદ મુનિ પૃથ્વી પર ફરવા આવે છે તે એક એવા પરિવારને જોવે છે તે પરિવારમાં એક સ્ત્રી અને ત્રણ દીકરીઓ હોય છે જેની અનુક્રમે ઉંમર ૫ વર્ષ , ૩ વર્ષ અને ૧ વર્ષની હોય છે. નારદ મુનિ તેમના ઘરે જાય છે અને મોટી દીકરીને પૂછે છે કે તારા પિતા ક્યાં છે તારા પિતા ઘરે દેખાતા નથી ત્યારે તે દીકરી જવાબ આપે છે કે
છ મહિના પહેલા મારા પિતા એક ગંભીર બીમારીના લીધે મૃત્યુ પામ્યા અને હવે અમે ત્રણેય બહેનોની સંપૂર્ણ જવાબદારી મારા માતા પર આવી ગઈ છે. મારી માતા બીજા લોકોના ઘરે કામ કરીને અમારું અને એનું ભરણ પોષણ કરે છે. નારદ મુનિ આટલી વાત સાંભળે છે અને ત્યાંથી આગળ નીકળી જાય છે. હવે નારદમુનિ પાછા ફરે છે ત્યારે તે ઘર આગળથી નીકળે છે તો જોવે તો એ સ્ત્રી ત્યાં દેખાતી ન હતી અને એ ત્રણે દીકરીઓ ઘરમાં બેઠેલી. ત્યાં નારદ મુનિએ મોટી દીકરીને પૂછ્યું તારી માતા ક્યાં ? તો મોટી દીકરીએ જવાબ આપ્યો મારી માતા થોડા દિવસથી બીમાર હતી અને છેવટે બીમારી વધતી ગઇ અને અઠવાડિયા પહેલા જ તેનું મૃત્યુ થયું છે. આ બધું જાણીને નારદ મુનિ સ્વર્ગમાં પાછા આવે છે અને ભગવાનને પૂછે છે ભગવાન તમે પણ કેવા લેખ લોકોના લખો છો જેના ઘરમાં હજુ નાની દીકરીઓ છે જેનું ભરણ પોષણ કરનાર પણ એક જ વ્યક્તિ હતું અને તમે એનું જ આયુષ્ય ઓછું કેમ લખ્યું. ભગવાને નારદ મુનિની સંપૂર્ણ વાત સાંભળી અને શાંતિપૂર્વક જવાબ આપ્યો .
ભગવાને કહ્યું : નારદ , તમે એકવાર પૃથ્વી પર પાછા જાવ અને એ ઘરે જઇને આવો જે ઘરે ૩ દીકરીઓ એકલી પડી ગઇ છે.
નારદ મુનિ : ભગવાન ત્યાં જઈને શું જોવ ત્યાં જઈશ તો મને તે દીકરીઓના ભાગ્ય પર દયા આવશે.
ભગવાને કહ્યું : એકવાર જઇને તો આવો.
નારદ મુનિ : સારું , તમારી આજ્ઞા છે તો એકવાર એ ઘરે જઈને આવું.
નારદ મુનિ એ ઘરે પાછા આવે છે ત્યાં જોવે છે તો ઘરને તાળું મારેલું હોય છે. નારદ મુનિ આજુબાજુ બીજા લોકોને પૂછે છે કે અહી રહેતી આ ૩ દીકરીઓ ક્યાં ગઈ ?
બાજુના લોકોએ કહ્યું : ભાઇ , એ ૩ દીકરીઓના તો ભાગ્ય ખુલી ગયા .
નારદ મુનિ ચોંકી ને પૂછે છે : કેમ , એવું તે શું થયું કે એમના ભાગ્ય ખુલી ગયા ?
બાજુના લોકો : અમારા ગામમાં એક અમીર પરિવાર આવેલો એમના ઘરે કોઇ સંતાન જ ન હતું અને એમણે આ ૩ દીકરીઓને જોઈ અને અમને બાજુવાળાને પૂછ્યું કે આ લોકોનું કોઇ નથી તો અમે આખી બનેલી ઘટના કહી તો તે પરિવારે ત્રણે દીકરીઓને દત્તક લઇ લીધી અને અમને એમનું સરનામું પણ આપ્યું છે અને એમની આજુબાજુમાં રહેતા લોકોને પણ મળાવ્યા અને કહ્યું કે અમે એવા નથી કે દીકરીઓને હેરાન કરીશું પરંતુ ભગવાને અમને પૈસાનું સુખ અને બીજું પણ સુખ આપ્યું છે પરંતુ સંતાનનું સુખ આપ્યું નહોતું તો એ સુખ અમને દીકરીઓને દત્તક લઇને મળી ગયું.
નારદ મુનિ પાછા ભગવાન પાસે જાય છે અને કહે છે વાહ ભગવાન તમારી લીલા અપરંપાર છે. હું તો ફક્ત વર્તમાનનું વિચારતો હતો અને તમે ભવિષ્યમાં પણ શું કરવું તે નક્કી કરી લીધું હોય છે.
ભગવાને નારદને મસ્ત એક વાત કહી : નારદ મુનિ મે બધાનું જીવન ક્રમાનુસાર લખેલું જ છે તે લખેલું ફક્ત ને ફક્ત હું જ વાંચી શકું છું ક્યારેક માણસને વર્તમાન પરિસ્થિતિમાં એવું લાગે કે મારી સાથે ખરાબ થઇ રહ્યું છે પરંતુ સમય જાય ત્યારે ખબર પડે કે જે પણ થયું હતું તે સારા માટે જ થયું હતું એટલે હંમેશા પોતાની સાથે જે પણ પરિસ્થિતિ બને ત્યારે ફક્ત આપણે તે પરિસ્થિતિને સ્વીકારવાની છે અને તેમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરવાના હોય છે જ્યારે આપણે કોઇપણ
પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે પ્રયત્નો કરીએ તો ભગવાન અવશ્ય આપણને તે પરિસ્થિતિમાં સાથ આપે છે. જીવનનો એક નિયમ છે ગમે તેવી પરિસ્થિતિ હોય તે સમય જતા અવશ્ય બદલાય છે.
Comments
Post a Comment